ગુજરાતમાં ખીજડા ના ૧૫ થી ૩૦ ફુટ ઊંચા વૃક્ષ ઘણાં થાય છે. Prosopis કુળનું વૃક્ષ હોવાનાં કારાણે કાંટાળું તો હોવાનું જ.
પાંડવોએ આ વૃક્ષ પર તેમના વનવાસ દરમ્યાન પોતાના સશ્ત્રો સંતાડી રાખ્યા હતા એવી માન્યતાને કારણે, ગુજરાતમાં ઘણી જગ્યાએ દશેરાના દીવસે, સશ્ત્રપુજનની સાથે સાથે આ વૃક્ષની પણ પુજા થાય છે.
આ વૃક્ષના મૂળ ૬૦ થી ૮૦ ફૂટ જેટલા ઊંડા જાય છે. ઝાડની ડાળીઓ પાતળી, ઝુકેલી અને ભૂખરા રંગની અને છાલ ફાટેલી, ખરબચડી, બહારથી શ્વેતાજેવી, અંદરથી પીળી-ભુખરી થાય છે. તેનાં પાન બાવળ કે આમલીના પાન જેવાં પણ નાના, સંયુક્ત, એક સળી પર ૧૨ જોડકામાં હોય છે. તેની પર પીળાશ પડતાં સફેદ પુષ્પો થાય છે. ઝાડ પર ચોમાસામાં ૪ થી ૮ ઈંચ લાંબી અર્ધા ઈંચ જાડી, સફેદ રંગની અને અંદર ભૂખરા (ધૂળિયા) રંગના બીજ થાય છે. કાચી શિંગોનું શાક કરી મારવાડમાં ખવાય છે. પાકી શિંગો મધુર હોઈ, બાળકો તે ખૂબ પ્રેમથી ખાય છે. તેની મોટી અને નાની બે જાતો થાય છે. મોટી જાતને ખીજડો, નાનીને ખીજડી કહે છે