ઘાબાજરીયું એક કે એક કરતા વધુ વર્ષનું આયુષ્ય ધરાવતી, જલપ્લાવિત વિસ્તાર, તળાવ કે નદી-કિનારાના છીછરા પાણીમાં ઉગતી, અને દેખાવમાં ઘાંસ જેવી લાગતી વનસ્પતિ છે. ઉચાઈમાં તે દોઢથી બે મીટર જેટલી વધી શકે છે અને તેના પાન ૫ થી ૧૨ મીલીમીટર પહોળા થાય છે.
નર અને માદા ફૂલ એકજ ડાળખી ઉપર લાગે છે અને થોડા વખતમાં નર ફૂલો ખરીને હવામાં ફેલાઈને માદા ફૂલોને ફળાવે છે. નર ફૂલ ખરી ગયા પછી ડાળખી ને છેડે એક ટૂંકો અણીયાળો ભાગ બાકી રહી જાય છે જ્યારે નીચે નું માદા ફૂલ (જે ડૂંડા જેવું દેખાય છે) ૧૦ થી ૪૦ સેન્ટીમીટર જેટલું લાંબુ અને ૧ થી ૪ સેન્ટીમીટર જેટલું પહોળું થાય છે જેમાંથી લગભગ ૦.૨ મીલીમીટર લંબાઈના રેષાવાળા બીજ હવામાં ફેલાઈને છોડ નો ફેલાવો કરે છે. આ છોડના માદા ફૂલ (અથવા ડૂંડા જેવા ભાગ) માંથી નીકળતો રૂ જેવો પદાર્થ શરીર પર પડેલા ઘા પર જલદી રૂઝ લાવવા માટે બહુ અસરકારક ગણાય છે અને એથીજ આ વનસ્પતિને આવું નામ આપવામાં આવ્યું છે.