Monday, June 20, 2011

જીંજવો - (sheda grass or bluestem [Dickanthium Annulatum])

એક જાતનું ઘાસ. તેનાં થૂંબડાં થાય છે. તેનાં પાન ધરો જેવાં પાતળાં ને લાંબાં થાય છે. થૂંબડામાં પાતળી દોરા જેવી સળી નીકળી ઉપર નાની અને પાતળી ત્રણ કે ચાર પાંખડીવાળી ચમરી નીકળે છે.

જીંજવો ઘાસ ને રેતાળ થી લઈને કાળી ચીકાશવાળી સુધીની દરેક પ્રકારની જમીન માફક આવે છે. ઊચાઇ માં તે સામાન્ય પણે ૮૦ સે.મી. થી ૧ મીટર સુધી વધે છે.  આમ તો તેને ફળદ્રુપ જમીનની જરૂર પડતી નથી પરંતુ તે ફળદ્રુપ જમીન પર વધારે પ્રમાણ માં ઊગતું જોવા મળે છે. એને ઊગવા માટે ખારાશવાળી  જમીન પણ માફક આવે છે તદ ઉપરાંત એને ટકી રેહવા માટે પિયત ની પણ જરૂર પડતી નથી. પરંતુ જ્યાં વધુ પ્રમાણ માં પાણી ભરાઈ રેહતું હોય તેવી જગ્યા એને માફક આવતી નથી. આ ઘાસ ની વિશેષતા એ છે કે દરિયાની સપાટી જેટલી ઊચાઇ થી લઇ ને છેક ૬૦૦ મીટર ની ઊચાઇ પર જોવા મળે છે. એના મૂળ જમીનમાં બહુ ઊંડે ઊતરતા નથી તેમ છતાં ભારે ચરિયાણવાળી જગ્યાઓ પર ટકી રહે છે એટલું જ નહિ પરંતુ એક વખત એક જગ્યાએ સ્થાપિત થઇ ગયા પછી ઘાસની બીજી પ્રજાતિ નું સ્થાન પણ ધીરે ધીરે પચાવી પાડે એટલો એનો ફેલાવો થાય છે.

Monday, March 7, 2011

દેશી બદામ (Indian Almond or Tropical Almond [Terminalia catappa])

આપણા દેશમા આ વૃક્ષ દેશી બદામ, બગાળી બદામ વગેરે ઓળખાય છે.દેશી બદામ શહેરી વિસ્તારમા પણ શોભાના વૃક્ષ તરીકે જોવા મળે છે. સુન્દર આકાર અને ગાઢ છાયડાને કારણે શહેરી વિસ્તારોમા આ સામાન્ય વૃક્ષ છે. તેના ફળ ખાવામાં મીઠા-તુરા લાગે છે.

સાગ ( Teak - [Tectona grandis])

 Genus Tectona માં ત્રણ પેટા જાતીઓ માનું એક આ વૃક્ષ લગભગ ૪૦ મીટર (લગભગ ૧૩૧ ફૂટ ) ઊંચું થાય છે. આ પાનખર પ્રકાર નાં આ વૃક્ષ પર જુન થી ઓગસ્ટ દરમ્યાન સફેદ ખુશ્બોદાર ફૂલો ખીલે છે. ભારત માં Tectona નાં Genus નું ફક્ત આ એક વૃક્ષ થાય છે જ્યારે Tectona hamiltonianaa એ મ્યાનમાર અને T. philippinensis એ Philippines નાં વિસ્તાર માં ઊગે છે.

ભારતમાં સાગનાં લાકડા નો વધારે ઉપયોગ બારી-બારણાંની Frames  બનાવવામાં ઉપરાંત furniture અને જુના પ્રકારના ઘરનાં મોભ અને ટેકા બનાવવામાં થાય છે. સાગ નું લાકડાને ઊધઈ લાગતી નથી આથી એના લાકડાના ભાવ વધારે હોય છે.
 

Thursday, June 3, 2010

ખેર ( [Acacia pennata])

ખેર એ  એક કાંટાળું, આછા પીળા ફૂલો વાળુ, આખા ભારત માં આસાનીથી જોવા મળતું ક્ષ્રુપ છે.

ગોરડ ( [Acacia senegal])

Tuesday, June 1, 2010

કરંજ (Indian Beech Tree [Millettia pinnata earlier Pongamia pinnata ])

મધ્યમ કદનું, નદી નાળાં કે ભેજવાળી જગ્યાએ જોવા મળતું, ચળકાટવાળાં લીલાં પાન ધરાવતું, ઝડપી ઉગનારું વૃક્ષ છે. તેનુ લાકડું બોબીન અને રમત ગમતનાં સાધનો બનાવવામાં તથા તેનાં પાન પાલા તરીકે વપરાય છે. તેના મુળમાંથી આંખ તથા ચામડીના રોગની દવા બનાવવામાં આવે છે. તેના બીજમાંથી અખાદ્ય તેલ મળે છે. જે ચર્મ-ઉદ્યોગ, સાબુ, મીણબત્તી તેમજ દવા બનાવવામાં વપરાય છે. તેના બીજનો ખોળ ખાતર તરીકે, ઢ઼ોર-દાણ તરીકે તથા જંતુનાશક તરીકે વપરાય છે. 

Friday, May 7, 2010

કરમદા (Black Currant or Conkerberry or Bush Plum [Carissa spinarum earlier Carissa congesta])

કાંટાઝાંખરા પ્રકારનુ વૃક્ષ ભારતનુ મૂળ વતની હોવાનું મનાય છે.  બારેમાસ લીલું અને પ્રતિકૂળ હવામાનમાં ટકી શકતુ નાના વ્રુક્ષ પ્રકારનુ ઝાડ છે. તેનાં પાન લીલાં ચમકદાર હોય છે. તેનાં ફૂલ સફેદ અને સુવાસિત હોય છે. તેની ડાળીઓ પર ૧ થી ૩ સેન્ટીમીટર લાંબા કાંટા હોય છે.  
આ ઝાડની ખૂબી એ છે કે તે પડતર અને ખરાબા વાળી હલકી જમીન પર પણ ઉગાડી શકાય છે. કરમદાના ફળ કાચા અને પાકા બન્ને અવસ્થામાં વાપરી શકાય છે. કાચા ફળ અથાણા બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે અને સ્વાદિષ્ટ અથાણુ બને છે. 
 આ છોડ એક કરતા વધુ થડ ધરાવતો હોય છે અને અડધાથી માંડી ને ૩ મીટર સુધી વધી શકે છે. આ વૃક્ષના ઘટાટોપ ઉગાવાને ગીર ના માલધારીઓ "કરમદીનો ઢુંવો" કહે છે. ઉનાળામાં ગીર માં જ્યારે મોટા ભાગની લીલોતરી સુકાઈ ગઈ હોય ત્યારે ફક્ત આ વૃક્ષ જ ગીર ના સિંહો ને શીતળતા બક્ષે છે.
 

Tuesday, April 20, 2010

ગુગ્ગળ (Salai [Commiphora wightii])

"ગુગ્ગળ" શબ્દ સાંભળતા જ આપણા ચિત્તમાં એક ચીર-પરિચિત મહેક પ્રસરી જાય છે. હા, ધૂપ માટે વપરાતો એ પદાર્થ જે વૃક્ષ પર ઉગે છે તેને પણ ગુગ્ગળ કહે છે. 
ગુગ્ગળ સાધારણ ઉચાઇ ધરાવતું પાનખર પ્રકારનું વૃક્ષ છે. સામાન્યપણે એની ડાળીઓ જમીન તરફ નીચે જુકતી જોવા મળે છે, થડ મોટેભાગે ૩ થી ૫ મીટર જેટલું લાંબુ અને રાખોડી રંગનું હોય છે. 
 
વૃક્ષ ૯ - ૧૫ મીટર જેટલું ઊંચું થાય છે. પાંદડાઓ કંઈકઅંશે લીમડા ના વૃક્ષના પાંદડાઓને મળતા આવે છે.

Saturday, March 13, 2010

કડાયો [Sterculia urens]

કડાયો એ માધ્યમ કદનું પાનખર પ્રકારનું ઝાડ છે જે ઊચાંઈ માં ૧૫ મીટર જેટલું વધે છે અને ઓછા વરસાદવાળા કે રણ જેવી આબોહવા ધરાવતા વિસ્તારોમાં ટકી શકે છે. 

ગીર માં અલભ્ય અને ઊડીને આંખે વળગે એવું વૃક્ષ જો કોઈ હોય તો તે છે કડાયો. આ વૃક્ષને સફેદ વૃક્ષ પણ કહેવાય છે. પાનખર ઋતુ પછી ડાળીઓ અને થડોનો રંગ સફેદ ગુલાબી થાય છે. પાન ગુલાબી-લીલા રંગનાં લંબગોળ તથા છાલ ચાઠાવાળી ઉખડેલી જોવા મળે છે. આ વૃક્ષમાંથી નીકળતો ગુંદર કડાયા ગુંદર તરીકે ઓળખાય છે અને તે રંગકામ તેમજ દવાઓમાં ખૂબ જ ઉપયોગી છે.

આ વૃક્ષના ફૂલો રંગે લીલાશ પડતા પીળા, ૪ થી ૬ રોમકુંપ ધરાવતા, લગભગ અઢી સેન્ટીમીટર ના ધેરાવાવાળા અને અવ્યવસ્થિત ઝૂમખાં માં ઉગે છે. જાન્યુઆરી થી માર્ચ મહિના દરમ્યાન ફૂલો આવે છે. 


અને એપ્રિલ / મે મહિના દરમ્યાન ફળો લાગે છે. 

આ વૃક્ષ ને ઊગવા માટે સુકો અને ઉષ્ણ કટીબંધીય વિસ્તાર માફક આવે છે.  
એક સમયે ભાવનગર પાસેનાં માળનાથ મહાદેવ પાસે એક સાથે ૭ થી ૮ કડાયા નાં વૃક્ષ ખુબ સુંદર અને મનમોહક વાતાવરણ સર્જાતા હતા.

Thursday, February 18, 2010

ઘાબાજરીયું (Lesser Indian Reedmace – [Typha angustata ])

ઘાબાજરીયું એક કે એક કરતા વધુ વર્ષનું આયુષ્ય ધરાવતી, જલપ્લાવિત વિસ્તાર, તળાવ કે નદી-કિનારાના છીછરા પાણીમાં ઉગતી, અને દેખાવમાં ઘાંસ જેવી લાગતી વનસ્પતિ છે. ઉચાઈમાં તે દોઢથી બે મીટર જેટલી વધી શકે છે અને તેના પાન ૫ થી ૧૨ મીલીમીટર પહોળા થાય છે.



નર અને માદા ફૂલ એકજ ડાળખી ઉપર લાગે છે અને થોડા વખતમાં નર ફૂલો ખરીને હવામાં ફેલાઈને માદા ફૂલોને ફળાવે છે. નર ફૂલ ખરી ગયા પછી ડાળખી ને છેડે એક ટૂંકો અણીયાળો ભાગ બાકી રહી જાય છે જ્યારે નીચે નું માદા ફૂલ (જે ડૂંડા જેવું દેખાય છે) ૧૦ થી ૪૦ સેન્ટીમીટર જેટલું લાંબુ અને ૧ થી ૪ સેન્ટીમીટર જેટલું પહોળું થાય છે જેમાંથી લગભગ ૦.૨ મીલીમીટર લંબાઈના રેષાવાળા બીજ હવામાં ફેલાઈને છોડ નો ફેલાવો કરે છે. આ છોડના માદા ફૂલ (અથવા ડૂંડા જેવા ભાગ) માંથી નીકળતો રૂ જેવો પદાર્થ શરીર પર પડેલા ઘા પર જલદી રૂઝ લાવવા માટે બહુ અસરકારક ગણાય છે અને એથીજ આ વનસ્પતિને આવું નામ આપવામાં આવ્યું છે.


Saturday, January 23, 2010

પિલુ [Salvadora persica]

પીલુ નું ઝાડ (કે છોડ) વાંકાચૂકા થડવાળું અને ભાગ્યે જ એક ફૂટ કરતા વધારે વ્યાસનું થડ ધરાવતું હોય છે જ્યારે ડાળીઓ ખરબચડી, ધોળાશ પડતી અને છેડેથી જુકેલી હોય છે. મૂળ પાસેના થડનો રંગ રેતી જેવો હોય છે અને અંદરની સપાટીઓ તો એથી પણ હલકા કથ્થાઈ રંગની હોય છે.

તેનામાં સોડમ ની સાથોસાથ તીવ્ર સ્વાદ હોય છે. ભારતભરમાં આ વનસ્પતિની કુમળી ડાળખીઓ નો ઉપયોગ દાતણ તરીકે પણ થાય છે.
આખો ભાલ પ્રદેશ જ્યારે ઉનાળામાં સુકાઈને સુક્કોભઠ્ઠ થઇ જાય છે ત્યારે ફક્ત પીલુડી જ આંખોને શીતળતા બક્ષે છે.

Wednesday, December 30, 2009

ઉમરો અથવા ઉમરડો (Cluster Fig Tree [Ficus Racemosa])

 Ficus કુળ નું આ વૃક્ષ એના કુળ ના બીજા વૃક્ષોથી એ રીતે અલગ પડે છે કે આ વૃક્ષના ફળ એની ડાળીઓ પર પણ ફૂટે છે. ઉમરાને તોડવાથી કે કાપવાથી દુધ જેવું સફેદ દ્રવ નીકળે છે. તેને અંજીર જેવાં જ ફળ આવે છે. તે પાકે ત્યારે ખાઈ શકાય. તેનું શાક પણ કરી શકાય. વાંદરા અને વિવિધ જાતિના પક્ષીઓ ને આ વૃક્ષના ફળ ખુબ આકર્ષે છે.
 
ફળ અને વૃક્ષ બંને એકજ નામથી ઓળખાય છે.  પાકા ફળોની અંદર સામાન્ય રીતે પુષ્કળ પ્રમાણમાં જીવાત જોવા મળે છે અને તેને લીધેજ આ વૃક્ષને જીવાત્મા કે પિતૃઓ નું સ્થાન માનવામાં આવે છે અને કહે છે કે આ વૃક્ષની નીચે બેસીને કરેલ પિતૃ તર્પણની વિધિ ઉત્તમ ફળ આપે છે.

આ વૃક્ષના કેટલાક આયુર્વેદિક ઉપયોગો આ લીંક પર આપેલા છે.
 

Wednesday, November 11, 2009

ખીજડો [Prosopis cineraria]

વૈજ્ઞાનિક નામ: Prosopis cineraria

ગુજરાતમાં ખીજડા ના ૧૫ થી ૩૦ ફુટ ઊંચા વૃક્ષ ઘણાં થાય છે. Prosopis કુળનું વૃક્ષ હોવાનાં કારાણે કાંટાળું તો હોવાનું જ.

પાંડવોએ આ વૃક્ષ પર તેમના વનવાસ દરમ્યાન પોતાના સશ્ત્રો સંતાડી રાખ્યા હતા એવી માન્યતાને કારણે, ગુજરાતમાં ઘણી જગ્યાએ દશેરાના દીવસે, સશ્ત્રપુજનની સાથે સાથે આ વૃક્ષની પણ પુજા થાય છે.

આ વૃક્ષના મૂળ ૬૦ થી ૮૦ ફૂટ જેટલા ઊંડા જાય છે. ઝાડની ડાળીઓ પાતળી, ઝુકેલી અને ભૂખરા રંગની અને છાલ ફાટેલી, ખરબચડી, બહારથી શ્વેતાજેવી, અંદરથી પીળી-ભુખરી થાય છે. તેનાં પાન બાવળ કે આમલીના પાન જેવાં પણ નાના, સંયુક્ત, એક સળી પર ૧૨ જોડકામાં હોય છે. તેની પર પીળાશ પડતાં સફેદ પુષ્‍પો થાય છે. ઝાડ પર ચોમાસામાં ૪ થી ૮ ઈંચ લાંબી અર્ધા ઈંચ જાડી, સફેદ રંગની અને અંદર ભૂખરા (ધૂળિયા) રંગના બીજ થાય છે. કાચી શિંગોનું શાક કરી મારવાડમાં ખવાય છે. પાકી શિંગો મધુર હોઈ, બાળકો તે ખૂબ પ્રેમથી ખાય છે. તેની મોટી અને નાની બે જાતો થાય છે. મોટી જાતને ખીજડો, નાનીને ખીજડી કહે છે

Thursday, October 1, 2009

શિરીષ (East Indian walnut [Albizia lebbeck])

ગુજરાતી ભાષામાં શિરીષ ના નામે ઓળખાતું આ વૃક્ષ અંગ્રેજીમાં East Indian walnut, frywood, Indian siris, koko, lebbek tree, raom tree, woman's tongue વગેરે નામોથી ઓળખાય છે. જ્યારે તેનું વૈજ્ઞાનિક નામ Albizia lebbeck છે.


આ વૃક્ષની શીંગો પાકી જાય ત્યારે શીંગોમાંથી સતત આવતા ખખડવાના અવાજને લીઘે અંગ્રેજી ભાષામાં woman's tongue નામ પડ્યું છે.
ભારતીય જ્યોતિષ શાસ્ત્રો પ્રમાણે આ વૃક્ષના પાનનો સ્નાનના પાણીમાં નાખીને ઉપયોગ કરવાથી જાતકનો શુક્ર ગ્રહ સુધરે છે. 
આ વૃક્ષની ઉંચાઇ વધીને ૩૦ મીટર સુધી જઇ શકે છે. ફાલવા માટેની જગ્યા વધારે મળે તો એ પોતાનો ઘેરાવો ૩૦ મીટર સુધી વધારી શકે છે પણ તે સંજોગોમાં તેની ઉંચાઇ ૨૫ મીટરથી વધતી જોવા મળતી નથી.
ફેલાવો: આ વૃક્ષ સામાન્યપણે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, બર્મા, દક્ષીણ ચીન, ઊત્તર-પુર્વીય થાઇલેન્ડ, અને મલેશીયામાં જોવા મળે છે.
આ વૃક્ષના સારા પાસા નીચે પ્રમાણે છે.
  • મોટુ થયા પછી પાણીની અછત દરમ્યાન પણ જીવી શકે છે.
  • જમીનની ઘણાબધા વિતૃત પ્રકારની pH સહન કરી શકે છે.
  • જમીનની ખારાશ ને સહન કરી શકે છે.
  • રોગ ઓછા પ્રમાણમાં થાય છે.
 આ વૃક્ષની મર્યાદાઓ નીચે પ્રમાણે છે.
  • ચીકણી જમીન માફક નથી આવતી.
  • વૃક્ષ નાનું હોય ત્યારે અતિશય ઠંડી / હીમ પડે તો તે જીરવી શકતું નથી.
  • પાણી ભરાઈ રહેતું હોય તો તેવી જગ્યા માફક આવતી નથી.

Tuesday, September 1, 2009

વૃક્ષો અને જ્યોતિષ વિજ્ઞાન

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કેટલાક વૃક્ષો નક્ષત્રો સાથે સંકળાયેલા છે. જેની વિગતે માહિતી અહી આપેલી છે.